સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭,૦૯૦ સ્વરૂપો બનાવવા માટે લગભગ વીસ વર્ષ જેટલો સમય લાગ્યો
ગુજરાતના વડોદરામાં આવેલું સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ભક્તો માટે અવારનવાર અનેક કાર્યક્રમો, શિબિર વગેરેનું આયોજન કરતા રહે છે. તાજેતરમાં મંદિર દ્વારા કરવામાં આવેલા એક અનોખા કાર્યક્રમે વિશ્વવિક્રમ સર્જ્યો છે અને ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે એટલે કે ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સ્વામિનારાયણ મંદિર કુંડળધામે પરમ પૂજ્ય સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીના પ્રતિનિધિત્વમાં ‘કુંડળધામમાં સ્વામિનારાયણનું અક્ષરધામ’ નામ હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭,૦૯૦ સ્વરૂપોના દર્શનનું આયોજન કર્યું હતું. જેની માટે પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીનું ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં નામ નોંધાયુ છે.
‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ’માં સ્થાન મળ્યા બાદ પ.પૂ. સદગુરુ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજીના શિષ્ય પરમ પૂજ્ય શ્રી અલૌલિક દાસજી સ્વામીજીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, “આજથી વીસ વર્ષ પહેલાં ગુરુજીના મનમાં વિચાર આવ્યો હતો કે ભક્તોના ઘરમાં જ મંદિર જેવો માહોલ ઉભો થાય અને ઘરે જ તેઓ સ્વામિનારાયણ ભગવાનના સ્વરુપની પુજા કરી શકે તેવું કંઈક કરવું જોઈએ. એટલે ભગવાનની મુર્તિઓ બનાવવી જોઈએ. તેને માટે ખાસ ઓડિશાથી મુર્તિકાર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ગુરુજીને તેમની બનાવેલી મુર્તિની આંખોમાં તેવો ભાવ, તેજ અને સુંદરતા દેખાઈ નહીં. એટલે તેમણે નક્કી કર્યું કે આપણા ભક્તો પાસે જ આ મુર્તિ બનાવડાવવી. પછી તેમણે નરેન્દ્રભાઈ જાધવ નામના ભક્તની મુર્તિ બનાવવા માટે પસંદગી કરી. પરંતુ નરેન્દ્રભાઈએ કહ્યું કે, ગુરુજી મને મુર્તિ બનાવવાનો કોઈ જ અનુભવ નથી. ત્યારે ગુરુજીએ તેમને કહ્યું કે, તમે ચિંતા ન કરો અને મુર્તિ બનાવવાની શરુઆત કરો મારા આર્શિવાદ તમારી સાથે છે. બસ આ જ રીતે આ ભગવાનના સ્વરુપની મુર્તિઓ બનાવવાની સફર શરુ થઈ. નરેન્દ્રભાઈએ બનાવેલી મુર્તિઓમાં ગુરુજીને આંખોમાં ભાવ અને મનમાં સુંદરતા દેખાઈ. ત્યારબાદ લાખોની સંખ્યામાં મુર્તિઓ બનાવવામાં આવી અને ભક્તોના ઘરમાં અહીં બનેલી મુર્તિઓની સ્થાપના થવા લાગી.”